

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તા.૨૦/૮/૨૦૨૬ના જ્ઞાનધારા અંતર્ગત ‘રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખિકા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇ. કુલપતિ તથા ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષા ડૉ. દર્શનાબેન ધોળકિયા ભુજથી વક્તવ્ય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની ભૂમિકા તેમજ શાબ્દિક સ્વાગત ડૉ. રામ વારોતરિયા કર્યું હતું. વક્તા ડૉ. દર્શનાબેને રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો વિશે વિગતે વાત કરી હતી. રામાયણના ચરિત્રો જેવા કે મુખ્ય પાત્ર રામ, સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન તેમજ ખલનાયકો કૈકેયી, રાવણ, કુંભકર્ણ, મારીચ જેવા દરેક પાત્રની ગહન તેમજ રસપ્રદ વાતો તેમજ વર્ણનો લેખિકાએ કર્યા હતા. ખાસ કરીને દરેક ચરિત્રના ઉચ્ચ મૂલ્યોનું તેમણે વર્ણન કર્યું હતું. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યનો ઊંડો અભ્યાસ લેખિકાએ કરેલ હોવાથી વિદ્યાર્થીઓને, મોરબી શહેરના આમંત્રિત સાહિત્ય રસિકોને તેમજ અધ્યાપકોને પણ પોતાની વાણીથી રસતરબોળ કરી દીધા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ થકી ડૉ. રેખાબેન કચોરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.


