સાંદીપની સ્કૂલની વિદ્યાર્થીની દૃષ્ટિ સોનગ્રાની રાષ્ટ્રીય SGFI ક્રિકેટમાં પસંદગી
માત્ર ૧૩ વર્ષની ઉંમરે દૃષ્ટિએ મેળવી સિદ્ધિ, શાળા પરિવારમાં ખુશીની લહેર


સાંદીપની સ્કૂલમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દૃષ્ટિ અનિલભાઈ સોનગ્રાએ SGFI ક્રિકેટ સ્પર્ધાના અંડર-૧૭ ગ્રુપમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે દૃષ્ટિએ મેળવેલી આ સિદ્ધિ બદલ શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે.
દૃષ્ટિ છેલ્લા ચાર વર્ષથી સાંદીપની સ્કૂલ ખાતે કાર્યરત ક્રિકેટ એકેડમીમાં કોચ દુષ્યંતભાઈ દંગી અને અનિલભાઈ પાસેથી ક્રિકેટની તાલીમ મેળવી રહી છે. સતત મહેનત, નિયમિત અભ્યાસ અને કોચના માર્ગદર્શનના પરિણામે દૃષ્ટિએ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
નાની ઉંમરે રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં પસંદગી પામવી એ દૃષ્ટિની પ્રતિભા, લગન અને અથાગ પરિશ્રમનું પરિણામ છે. તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. દૃષ્ટિની આ સિદ્ધિ બદલ સાંદીપની સ્કૂલ પરિવાર દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ભવિષ્યમાં ક્રિકેટ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરી દેશ અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મયુર રાવલ હળવદ.