મોરબી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે જનકલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ યોજાયો

દેશ અને વિદેશના કુલ ૫૦૦૦ જેટલા યજમાન ભક્તોએ આપી વિશ્વશાંતિ માટે આહુતિઑ 

 

સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલકે ચમકતી, મચ્છુના તટે મયુરનગરી મોરબીની ધરાને આંગણે મંદિરના પ્રેરણામૂર્તિ અને સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત શુક્રવારે તા.૨૩/૧૦/૨૦૨૬ ના સુપ્રભાતે ૭:૩૦ કલાકે મંદિર પ્રાંગણમાં આવેલ વૈદિક યજ્ઞશાળામાં પવિત્ર સંતો અને વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે‘વિશ્વ શાંતિ મહાયજ્ઞ’નો શુભારંભ થયો હતો. ભારત દેશ અને વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.એ.ઈ., સાઉથ આફ્રિકા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા સહિતના દેશોમાંથી યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. વિશેષ તો આફ્રિકા ખંડના વિવિધ દેશોમાંથી પધારેલ ૧૫૦ થી અધિક યજમાનો આજના વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા હતા.

આજરોજ યોજાયેલ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સંસ્થાના ષડ્દર્શનાચાર્ય વિદ્વાનસંત પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી જેઓ સંસ્થાના મુખ્ય ઉત્સવોમાં દેશ અને વિદેશમાં યોજાતા વિશાળ યજ્ઞના આયોજનની જવાબદારીઓ સંભાળતા હોય છે તેઓના માર્ગદર્શન મુજબ ૨૫ વેદપાઠી બ્રાહ્મણો દ્વારા યજ્ઞની સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પવિત્ર તીર્થસ્થાન ગોંડલ અક્ષરદેરીની અખંડ જ્યોતથી યજ્ઞકુંડની જ્યોતિ પ્રજ્વલલિત કરવામાં આવી હતી. વેદપાઠી બ્રાહ્મણોના વેદમંત્રોના ઉચ્ચારણો સાથે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ સમક્ષ યજમાનોએ જવ, તલ, ડાંગર, ઘી, સમિધ સહિતની આહુતિઑ યજ્ઞકુંડમાં અર્પણ કરી હતી.

વિશ્વશાંતિ મહાયજ્ઞના પ્રથમ દિને ૫,૦૦૦ યજમાન ભક્તોએ યજ્ઞમાં સમ્મિલિત થઈ યજ્ઞદેવતાને આહુતિઑ અર્પણ કરી હતી. જેમાં શહેરના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વમંત્રી બ્રીજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ભાજપા મહામંત્રી  અરવિંદભાઈ વાંસદડીયા અને તપનભાઇ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ દરમિયાન શહેરના માનનીય કલેક્ટર, ડીડીઓ, એસ.પી. સહિત તમામે યજ્ઞમાં પધારી દર્શન કર્યા હતા. પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ તેઓને ચાંદલો કરી, નાડાછડી બાંધી આવકાર્યા હતા.

આ મહાયજ્ઞમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ ૯૩ વર્ષની જૈફ વયે પણ ઉપસ્થિત તમામ યજમાનોને લાભ આપવા યજ્ઞશાળામાં પધાર્યા હતા. પૂજ્ય સંતોએ સ્વામીને ચાંદલો કરી, નાડાછડી બાંધી આવકાર્યા હતા. સ્વામીએ મંચ પર બિરાજમાન તમામ મૂર્તિઓની આરતી ઉતારી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામીએ આશીર્વચન વરસાવતા જણાવ્યું હતું કે, “આ યજ્ઞથી સર્વત્ર સુખ, શાંતિ અને ધર્મભાવના વધશે. તમામ યજમાનો તને, મને અને ધને એમ સર્વ પ્રકારે સુખી થાવ એવી ભગવાનને પ્રાર્થના”.અંતમાં સ્વામીશ્રી યજ્ઞમાં ઉપસ્થિત તમામ યજમાનોને દર્શનદાન આપવા પધાર્યા ત્યારે સમગ્રયજ્ઞશાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાને ચિરંતન રાખવા માટે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે તારીખ ૨૩ અને ૨૪ ઓકટોબર દરમ્યાન પ. પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં બે દિવસ સુધી યોજાનાર આ દિવ્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હજારો યજમાનો લાભ લઈને કૃતાર્થ થશે. આજે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન પ. પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં આવેલ મહંત સ્વામી સભાગૃહમાં ‘સ્વાગત-અભિવાદન સમારોહ’ યોજાશે. આવતીકાલે ૨૪ ઓક્ટોબર, શનિવારે સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ અને સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમિયાન મોરબીના રાજમાર્ગો પર મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે.

 

યજ્ઞનું માહાત્મ્ય અને વિશેષતા:

યજ્ઞ એ મૂળ સંસ્કૃતની‘યજ’ ધાતુમાંથી બનેલો શબ્દ છે જેનો અર્થ દાન,  દેવ પૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. યજ્ઞનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું છે, જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી વિપુલ પ્રમાણમાં પાક મળે છે તેમજ યજ્ઞમાં આહુતીમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને અનેકગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધરૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા,  પાચનક્રિયા અને લોહીના પરિભ્રમણ એમ શરીર પર ખૂબ જ સકારત્મક અસર ઊભી કરે છે. યજ્ઞમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છવાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે.

 

Leave A Reply

Your email address will not be published.