

મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે વાંકાનેરના સરતાનપર રોડ પર સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી મહિલાનું સારવાર દરમિયાન તબિયત લથડતા હૃદય બંધ પડી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલા મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી ૧૬ વર્ષીય સુનીતાબેન પ્રીતમ ભીલાલા નામના સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા કમાન્ડર સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી ૩૩ વર્ષીય હરીબાઇ ભાગચંદ વંશલ નામના મહિલા કારખાનામાં કામ કરતી વખતે પગમાં ટાઇલ્સ વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રૂમે પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓને અચાનક ઝાડા-ઉલટી થતાં તબિયત લથડી હતી. તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.