૨૮મીએ ભદ્રાના ઓછાયા વિના ઉજવાશે રક્ષાબંધન  :- કૃષ્ણચંદ્ર શાસ્ત્રીજી

 

મોરબીના પ્રખર વિદ્વાન જાણીતા જયોતિષ આચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી જાણીએ રક્ષાબંધનના તહેવારના મુર્હૂતો, મહત્વ અને માહિતી

હિન્દુ સનાતન ધર્મ માં વર્ષના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ મહિના સાથે તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ મહિનામાં જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધીને તેની લાંબી આયુ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનની જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનની તારીખ અને મુહૂર્તને લઈ લોકોમાં થોડી અસમંજસ છે.

 

તિથિ અને મુહૂર્ત:-

૨૭ ઓગસ્ટના ગુરુવારે સવારે ૯.૦૯ વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૯.૪૯ વાગ્યે પૂર્ણિમા પૂર્ણ થાય છે. આ સ્થિતિમાં સૂર્યોદય તિથિની ગણતરી કરવામાં આવતી હોય શુક્રવારે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન (બળેવ)પર્વ ઉજવવામાં આવશે. વધુમાં, ૨૭ ઓગસ્ટના ગુરુવારે વ્રતની પૂનમ, નાળિયેરી પૂનમ રહેશે. જયારે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન સાથે , ઋષિતર્પણ, સહિતના પ્રસંગો ઉજવાશે. પૂર્ણિમા તિથિ સવારે ૯.૪૯ વાગ્યા સુધી જ હોય તે દિવસે સૂર્યોદયથી ૯.૪૯ સુધીમાં ભાઈને રાખડી બાંધવાનું ગણી શકાય. વળી, ભદ્રાનો ઓછાયો નડતો નથી. ભદ્રા ૨૭મીના ગુરુવારે રાત્રીએ ૯.૩૩ વાગ્યે જ પૂર્ણ થઈ જાય છે. એટલે ૨૮મીના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી આડે ભદ્રાનું ગ્રહણ નડશે નહીં.

તેમજ ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાશે નહીં. તેથી પાળવાનું નથી.

રાખડી બાંધવાનો શુભ સમય: 28.8.2026 ને શુક્રવાર સવારે ૬:૨૮ થી ૯:૪૮ સુધી.

 

રક્ષાબંધનનું મહત્વ:-

 

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે દેશભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૌપ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી, જેથી ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી વૈકુંઠ લઈ જવાનો માર્ગ મળ્યો હતો. આ ઉપરાંત, દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી, આદિકાળ થી ચાલતી આવતી પરંપરા માં આ દિવસે બહેનો ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેમની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોની રક્ષાનું વચન આપે છે.

 

રાખડી બાંધતી વખતે  આ મંત્ર બોલવો

 

 

“येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः ।

तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल ॥”

અર્થ:

જે રક્ષાસૂત્રથી મહાબળવાન દાનવેન્દ્ર રાજા બલિ બંધાયા હતા, તે જ રક્ષાસૂત્રથી હું તમને બાંધું છું. હે રક્ષાસૂત્ર! તમે હંમેશા રક્ષણ કરજો, તમારા સંકલ્પથી વિચલિત ન થશો.

 

ભાગવતાચાર્ય

શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે

(સંસ્કૃત વિશારદ,જયોતિષ રત્નમ,વાસ્તુ માર્ગદર્શક )

મો.8000911444

Leave A Reply

Your email address will not be published.