હળવદ સરકારી હોસ્પિટલ રામભરોસે! 15માંથી 6 ડોક્ટરોની જગ્યાઓ ખાલી, દર્દીઓની હાલત કફોડી

હળવદના નેતાઓને ક્યારે આવશે લાજ? : હોસ્પિટલ છે, પણ ડોક્ટર નથી!

 

 

હળવદ : હળવદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભારે અછતને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં મંજૂર 15 ડોક્ટરોની જગ્યાઓ સામે માત્ર 9 ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 6 મહત્વપૂર્ણ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. જેના કારણે દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ક્લાસ-1ની 10 જગ્યાઓમાંથી માત્ર 7 અને ક્લાસ-2ની 5 જગ્યાઓમાંથી માત્ર 2 જગ્યાઓ ભરાયેલી છે. હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન અને બાળરોગ નિષ્ણાત જેવા મહત્વના તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ગાયનેક ડોક્ટર ન હોવાથી પ્રસૂતિ માટે મહિલાઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે, જ્યાં સારવાર અને પ્રસૂતિ પાછળ ₹50 હજારથી વધુનો ખર્ચ થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ ખર્ચ અસહ્ય સાબિત થઈ રહ્યો છે.

હળવદ શહેર ઉપરાંત આસપાસના 68થી વધુ ગામોના લોકો સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે. પરંતુ નિષ્ણાત ડોક્ટરોના અભાવે દર્દીઓને ધ્રાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગર સુધી સારવાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. પરિણામે દર્દીઓનો સમય અને પૈસા બંનેનો વ્યય થઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દે કહેવાતા રાજકીય આગેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ  રાજકીય આગેવાનો સ્પષ્ટ જવાબ આપવા આગળ આવ્યા ન હતા. કહેવાતા નેતા પ્રત્યે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આરોગ્ય વિભાગ સમક્ષ માંગ ઉઠાવી છે કે હળવદ સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલી ગાયનેક, ઓર્થોપેડિક સર્જન અને બાળરોગ નિષ્ણાત સહિતની તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે, જેથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી શકે.

 

મયુર રાવલ હળવદ

 

 

Leave A Reply

Your email address will not be published.