હેવાનિયતની હદ : મહિલા સાથે દુષ્કર્મ આચર્યું,પ્રતિકાર કરતા છરીનો ઘા ઝીંક્યો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. શહેરમાં મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જાય છે, તેની સાથે મહિલાઓ વિરોધી ગુનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક શરમજનક અને હૃદય કંપાવનારો દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી એક વાડીમાં શ્રમિક દંપતી તેમના ૨ વર્ષના માસૂમ દીકરા સાથે રહીને મજૂરી કામ કરતું હતું. રાત્રિના સમયે આ પરિવાર વાડીમાં આવેલી ઓરડીની સામે ખુલ્લામાં સૂતો હતો. આ દરમિયાન અચાનક કોઈ હલચલ થતાં ૨૨ વર્ષની પરિણીત મહિલાએ પતિને જાણ કરી હતી. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પતિ હાથમાં ટોર્ચ લઈને જોવા ગયો હતો. તે જ સમયે અંધારામાંથી પાંચ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને દંપતીને ચારેય તરફથી ઘેરી લીધું હતું.

આ નરાધમોએ ક્રૂરતાની હદ વટાવીને પતિ અને ૨ વર્ષના નિર્દોષ બાળકને બળજબરીપૂર્વક વાડીમાં આવેલા નીલગીરીના ઝાડ તરફ ખેંચી લઇ ગયા બાદ એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનિયતનો ભોગ બનનાર મહિલાએ જ્યારે પ્રતિકાર અને વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા નરાધમે તેના પગમાં છરીનો ઘા ઝીંકી  ઈજા કરી હતી અને દંપતીને મૂકીને પાંચેય અજાણ્યા શખ્સો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.