

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે શનાળા વિસ્તારમાં બુટલેગરો પર ધોંસ બોલાવતા બે જુદા-જુદા મકાનોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, બિયર અને ચપલાનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. જો કે, પોલીસની રેડ દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા.
પહેલા દરોડાની વિગત મુજબ, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનાળા બાયપાસ પાસે આવેલા નીલકંઠ સ્ક્વેરની પાછળ એક રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. આ મકાનમાં રહેતા મયુર કાંતીભાઇ વાઘેલા નામના શખ્સે વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂ છુપાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૦ બોટલ, બિયરના ૪ ટીન તેમજ પ્લાસ્ટિકના ૨૫૦ નંગ ચપટા મળી કુલ રૂપિયા ૩૮,૨૦૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે આરોપી મયુર વાઘેલા હાજર ન મળી આવતા તેના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, પોલીસે શનાળાના નવા પ્લોટ વિસ્તારમાં નાગબાઈ માતાજીના મંદિર પાસે આવેલા એક રહેણાંક માં દરોડો પાડ્યો હતો. અહીં રહેતા અશ્વીન રવજીભાઇ વાઘેલા નામના બૂટલેગરે કોઈ પણ પાસ કે પરમિટ વગર પોતાના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. પોલીસે અહીંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૯૬ બોટલ અને ૧૧૬૩ નંગ પ્લાસ્ટિકના ચપલા મળી કુલ રૂપિયા ૫,૮૭,૨૮૬ નો મુદ્દામાલ કબજે કરી આરોપી અશ્વિન વાઘેલાને પકડવા પોલીસે શોધખોળ આદરી છે.



