


ટંકારા-અમરાપર રોડ પર રિક્ષાચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટરસાઇકલ ચાલક આધેડનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી રિક્ષાચાલક નાસી છૂટ્યો હતો.
નવા અમરાપર ગામે રહેતા કમળાબેન અરવિંદભાઇ મકવાણાએ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ અરવિંદભાઇ છગનભાઇ મકવાણા પોતાનું મોટરસાઇકલ લઇને ટંકારાથી અમરાપર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન એચ.પી. પોલ્ટ્રી ફાર્મ પાસે સામેથી અમરાપરના જ રહેવાસી રિક્ષાચાલક યાકુબભાઇ અલીભાઇ બાદીએ પોતાની રિક્ષા પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી અરવિંદભાઇના મોટરસાઇકલ સાથે ભટકાડી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં અરવિંદભાઇને શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રિક્ષાચાલક યાકુબ બાદી વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




