માળીયા મિયાણાના નવાગામમાં નદી કાંઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: બે ઝડપાયા


માળીયા મિયાણા પોલીસે નવાગામ પાસે નદીના કાંઠે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલતી ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોને દેશી દારૂ, દારૂ બનાવવાનો ઠંડો-ગરમ આથો અને સાધનો મળી કુલ રૂ. ૧૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વિગત મુજબ, માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે નવાગામ ટાવર પાસે ઢાળ ઉતરીને નદીના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા ત્યાંથી ઇર્શાદ ઉર્ફે કાળો મોહમદ હનિફ જેડા (ઉ.વ. ૨૨) અને આરીફ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ. ૨૦) નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સ્થળ પરથી ૨૦૦ લીટર ગરમ આથો ભરેલું પતરાનું બેરલ, ૪૦૦ લીટર ઠંડો આથો ભરેલા બે પ્લાસ્ટિકના બેરલ, ૧૦ લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.