

હળવદના મયાપુર ગામની સીમમાં આવેલી ‘ગામોટીયુ’ નામની વાડીના કબ્જા બાબતે ચાલી રહેલા વિવાદમાં હવે સામસામી ફરિયાદ નોંધાઈ છે. અગાઉ ખેડૂત દંપતીએ હુમલાની ફરિયાદ નોંધાવ્યા બાદ, હવે સામે પક્ષે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલે પણ ખેડૂત દંપતી સહિત છ લોકો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. જમીન મારી છે તેમ કહી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે નોંધાયેલી આ ફરિયાદને પગલે હળવદ પોલીસે બંને પક્ષની રજૂઆતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ, હળવદમાં રહેતા અને ખેતી તેમજ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા મયાપુર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ગયા હતા. તે દરમિયાન આરોપી બળદેવભાઇ ભુદરભાઇ કણઝરીયા અને રમીલાબેન સહિતના લોકોએ ત્યાં આવી ‘આ જમીન અમારી છે, અહીં પગ મૂકવો નહીં’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી વધતા મામલો ઉગ્ર બન્યો હતો અને હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપી બળદેવભાઇએ તેમને કમરના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો, જ્યારે રમીલાબેને તેમને ધક્કો મારી પાડી દીધા હતા. આ ઉપરાંત સોનલબેન નામની મહિલા લોખંડની કુહાડી લઈને તથા અરવિંદભાઇ હરજીભાઇ અને વાસુદેવભાઇ છગનભાઇ લાકડાના ધોકા લઈને આવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ આ ઓઆંચ આરોપીઓ ઉપરાંત એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.