



મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના રસ્તા પાસે પૂરઝડપે જતી રિક્ષામાંથી ફેંકાઈ જતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. રિક્ષા ચાલકે બેફીકરાઈથી વાહન હંકારી મહિલાના મોતના કારણભૂત બનવા બદલ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ, નવી ટીંબડી ગામે રહેતા મુનેશભાઇ નાનજીભાઇ પરમારએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પત્ની વર્ષાબેન સીએનજી રિક્ષા નંબર GJ-36-W-1358 માં જઈ રહ્યા હતા. રિક્ષા ચાલકે પોતાની રિક્ષા એટલી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી કે ટીંબડી ગામના રસ્તા પાસે વર્ષાબેન ચાલુ રિક્ષામાંથી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વર્ષાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.