

હળવદ તાલુકાના ટીકર ગામે સામાન્ય બોલચાલમાં બે જૂથો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંધી અને ઘાંચી વચ્ચે થયેલી માથાકુટ દરમિયાન ટીકર (રણ) રહેતા અયાજભાઈ વારીશભાઈ કગથરા (ઉંમર અંદાજે ૧૯ વર્ષ) પર આરોપીઓએ છરીના ઘા ઝીંકતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઇજાગ્રસ્તને તરત જ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમની નાજુક હાલતને કારણે વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,સમગ્ર મામલે હળવદ પી આઈ આર ટી વ્યાસ દ્વારા ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સત્ય હકીકત બહાર આવશે.
મયુર રાવલ હળવદ