


દેશ અને દુનિયાની જેમ મોરબીની દરેક ક્ષેત્રોમાં સકારાત્મક કાર્યો કરતી મહિલાઓમાં રહેલી શક્તિથી દેશ, સમાજ અને કુટુંબ વ્યવસ્થાને સુખ સમૃદ્ધિથી હર્યાભર્યા કરવા માટે ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા પ્રથમ વખત મહિલાઓને વૈચારિક મનોમંથન કરવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા સંગઠનો નારી ઉત્થાન માટે હરહમેશ સક્રિય હોય એવા મહિલા સંગઠનો અન્ય મહિલાઓમાં નારી શક્તિને જાગૃત કરી નારી અસ્મિતાનુ ગૌરવ જાળવી રાખે અને મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ વખત એક અનોખી અને પ્રેરણાદાયી પહેલરૂપે “મહિલા લીડરશીપ કોન્કલેવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ વખત આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” નો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નહિ બીજાના ભલામાં જ આપણું ભલું હોવાંની ભાવનાને ચરિતાર્થ કરવા સતત સક્રિય કાર્ય કરતી મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને નેતૃત્વ ક્ષમતાનો પરસ્પર વિનિમય થકી સમાજમાં સકારાત્મક પરિવર્તનની દિશા નિર્ધારિત કરવાનો હતો. કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે કાર્યરત આશરે ૧૦ જેટલી વિવિધ સંસ્થાઓની બહેનો જોડાઈ, જેમણે એકબીજાના અનુભવોમાંથી પ્રેરણા મેળવી અને સહયોગી દિશામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને નવતર અને અસરકારક રીતે રજૂ કરવા માટે જાણીતું રહ્યું છે. સમાજ ઉત્થાનના કાર્યમાં સતત અગ્રેસર રહેલી આ સંસ્થાએ પ્રથમ વખત મહિલા નેતૃત્વને કેન્દ્રસ્થાને રાખીને આ પ્રકારનું આયોજન કરીને મોરબીમાં એક નવી દિશાની શરૂઆત કરી છે. કાર્યક્રમમાં હેમાબેન પટેલ, અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી), વંદનાબેન સરડવા, અવની ભોરણીયા અને જલ્પાબેન ત્રિવેદી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના વિચારો તથા અનુભવો દ્વારા બહેનોને પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે વિવિધ સંસ્થાઓની મહિલાઓ દ્વારા મળીને કળા, સાહિત્ય, સ્વાસ્થ્ય, પરિવાર સંકલન, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને રમતગમત જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી, તેમજ ભવિષ્યમાં સંયુક્ત રીતે વધુ અસરકારક કાર્યક્રમો યોજવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.





