

ચુંપણી ગામમાં દ્વારકા જતી વખતે પાછળ રહી ગયા બાબતનો ખાર રાખી દંપતીને વાડીના શેઢેથી ચાલવાની ના કહી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેમાં આધેડનું મોત થયું હતું હત્યાનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ ભરતભાઈ રામાભાઈ ઓળકીયાએ આરોપી ગણેશ વાલજી ઓલકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ચારેક દિવસ પૂર્વે ગણેશભાઈ વાલજીભાઈ ઓલકીયા અને ફરિયાદી અલગ અલગ મોટરસાયકલ લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા અને ત્યારે ગણેશ વાલજી પાછળ રહી ગયો હોત જે બાબતે મારો સંગાથ કેમ કર્યો ના હતો કહીને ફરિયાદીના પિતા રામાભાઈ ઓલકીયા અને માતા વાલીબેનને વાડીના શેઢે ચાલવાની ના કહી મનદુઃખ રાખી પિતાને પેટના ભાગે અને માતાને છરી વડે ઈજા કરી હતી જે બનાવમાં પિતાનું મોત થયું હતું પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો
જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ૨૨ મૌખિક પુરાવા અને ૪૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપી ગણેશ વાલજી ઓલકીયાને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૪ મુજબના ગુનામાં ૧ વર્ષની કેદ અને રૂ ૧૦૦૦ દંડ ફટકાર્યો છે

