ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટીઓ અને સત્યાગ્રહ છાવણીના ખેડૂત આગેવાનો ગાંધીનગર જઈ સરકાર સમક્ષ રજૂઆત કરશે





ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત આગેવાનો અને ઉમિયાધામ સિદસર સંસ્થા વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ખેડૂતો દ્વારા તમામ સમાજ અને સંસ્થાઓને એક મંચ પર લાવીને વિશાળ ખેડૂત મહાપંચાયત તથા મહાશક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ખેડૂત આગેવાનો ઉમિયાધામ સંસ્થાના શરણે પહોંચ્યા હતા, જ્યાં સંસ્થાના ટ્રસ્ટીઓએ ખેડૂતોની ન્યાયી માંગણીઓ માટે સરકાર સાથે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી હતી.
સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓએ ખેડૂત આગેવાનોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે સરકાર પણ ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને સાંભળવા માટે ઉત્સુક છે. આથી, આવનારી તારીખે ગાંધીનગર ખાતે ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને સત્યાગ્રહ છાવણીના ખેડૂત પ્રતિનિધિઓ સાથે મળીને સરકાર સમક્ષ ખેડૂતોની વિવિધ માંગણીઓની મૌખિક અને સચોટ રજૂઆત કરવા માટે પહોંચશે.
ખેડૂત આગેવાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ રજૂઆત માત્ર સત્યાગ્રહ છાવણી કે ચોક્કસ જિલ્લાના પાંચ-દસ વ્યક્તિઓ પૂરતી સીમિત રહેશે નહીં. ગુજરાતના અંદાજે ૫૬ લાખ ખેડૂતોના અવાજને વાચા આપવા માટે રાજ્યના તમામ વિસ્તારોમાંથી, તમામ સમાજ તથા જ્ઞાતિના ખેડૂત પ્રતિનિધિઓ અને આગેવાનોને સાથે રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
