

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ૧૦ દિવસીય ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’નો જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો. મંત્રીના હસ્તે મોરબી જિલ્લાના ૧૦ સખી મંડળોને રૂ. ૩૦.૬૫ લાખના સી.સી. લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
મોરબીના શનાળા રોડ પર રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી યોજાનાર આ મેળાનું ઉદ્ઘાટન કરી મંત્રી સહિતના મહાનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક પ્રોડક્ટ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો ભાગ લઈ રહી છે.
જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં સહિતની ચીજવસ્તુઓના ૫૦ સ્ટોલ તેમજ વાનગીઓના ૫ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. બહેનોને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા મળે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે આયોજિત આ મેળાની વધુને વધુ નાગરિકો મુલાકાત લઈ ખરીદી કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.



