મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો

‘મારો દેશ, મારું અભિમાન’ની રાષ્ટ્રભાવના સાથે વીર સૈનિકો અને તેમના પરિવારોનું કરાયું ભાવાંજલિસભર સન્માન

 

 

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિરપર સ્થિત નવયુગ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સમારંભ પ્રસંગે મંત્રીના વરદહસ્તે દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરનાર વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન એનાયત કરી ભાવાંજલિસભર સન્માન કરવામાં આવ્યું હતું.

ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વીર જવાનોના અપ્રતિમ સમર્પણ, શૌર્ય અને દેશભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા કાજે રાત-દિવસ કાર્યરત સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સૈનિકોના સન્માન અને કલ્યાણની પરંપરા બની છે તેમ જણાવી મંત્રીશ્રીએ સૈનિકોની વીરતા, ત્યાગ અને બલિદાનને નતમસ્તક વંદન કર્યા હતા. તેમણે માતૃભૂમિની સેવા કાજે સપૂતો આપનાર વીર માતા-પિતાને પણ ભાવપૂર્વક વંદન કર્યા હતા. ભારતના સાંસ્કૃતિક અને વૈશ્વિક ઉત્થાનમાં યુવાનોની ભૂમિકા સ્પષ્ટ કરતા વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવાશક્તિને સક્રિય ભાગીદાર બનવા હાકલ કરી હતી.

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણા દેશના વીર સૈનિકો સીમા પર અડીખમ રહીને રાષ્ટ્રની પ્રહરી તરીકે સુરક્ષા કરે છે. તેમનું અપ્રતિમ શૌર્ય અને નિઃસ્વાર્થ બલિદાન દેશવાસીઓ માટે સદા પ્રેરણાદાયી છે. ગુજરાત એક સરહદી રાજ્ય હોય, આપણા રાજ્યના વધુને વધુ યુવક-યુવતીઓ સશસ્ત્ર સેનાઓમાં જોડાઈ દેશસેવા કરે તે સમયની માંગ છે તેમ જણાવી તેમણે અમર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિએ રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની લાગણી પ્રસરાવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.