

મોરબીના નીચી માંડલ-વાંકડા રોડ પર આવેલા એક બંધ કારખાનામાં તસ્કરો રાત્રિના અંધકારનો લાભ લઈ તાંબાના વાયર ચોરી ગયા હતા. બે કે તેથી વધુ અજાણ્યા શખ્સોએ કારખાનામાં ઘૂસી તોડફોડ કરી આશરે ૧.૮૭ લાખ રૂપિયાના તાંબાના વાયરની ચોરી કરી અને લાખોનું નુકસાન પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ઘટના અંગેની વિગતો મુજબ, નીચી માંડલ રોડ પર પર્લ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ નામના કારખાનાના માલિક હસમુખભાઈ રતીલાલભાઈ કૈલાએ ફરિયાદ નોંધાવી છે કે તાજેતરમાં રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ કારખાનાની કમ્પાઉન્ડ દીવાલ ટપી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ત્યાં રાખેલા પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર (TC) ને ફાઉન્ડેશનમાંથી ઉખાડી નીચે પાડી દીધું હતું અને તેમાં રહેલું ૧૫૦૦ લીટર જેટલું ઓઇલ ઢોળી નાખી ભારે તોડફોડ કરી હતી. ત્યારબાદ કારખાનાના પ્રોડક્શન યુનિટની બારીના સળિયા કાપી અંદર ઘૂસેલા ચોરોએ અર્થીંગના કોપર વાયર તેમજ ટ્રાન્સફોર્મરના કોઇલ બોક્સમાંથી કોપર પ્લેટો મળી કુલ ૩૭૫ કિલો તાંબાના વાયરની ચોરી કરી હતી. આ ચોરીમાં કુલ ૧,૮૭,૫૦૦ રૂપિયાની મત્તાની ચોરી થઈ છે, જ્યારે ટ્રાન્સફોર્મરમાં કરેલી તોડફોડ અને ઓઇલના કારણે અંદાજે ૩ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


