


રાજકોટમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા એક આધેડે ફડસર ગામના એક શખ્સ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાનું ચાર માસનું વ્યાજ ન ચૂકવાતા, આરોપીએ તેમને ગામના ચોકમાં બોલાવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

વિગતવાર માહિતી મુજબ, રાજકોટના મોરબી રોડ પર આવેલા શિવ વિહારમાં રહેતા રિક્ષા ડ્રાઈવર ભગવાનભાઈ નાગાજણભાઈ બાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી દેવજી કાળુભાઇ બાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીએ મોરબીના ફડસર ગામે રહેતા આરોપી દેવજીભાઈ પાસેથી ૫% ના વ્યાજે રૂપિયા ૪,૦૦,૦૦૦ લીધા હતા. છેલ્લા ચાર મહિનાથી ભગવાનભાઈ આ રકમનું માસિક રૂપિયા ૨૦,૦૦૦ લેખે કુલ રૂ ૮૦,૦૦૦ વ્યાજ ચૂકવી શક્યા ન હતા. આ વ્યાજની વસૂલાત માટે આરોપી દેવજીભાઈએ ફરિયાદીને ફોન કરીને ફડસર ગામના ચોકમાં બોલાવ્યા હતા. ત્યાં આરોપીએ ‘મારા પૈસા અત્યારે જ આપી દે’ તેમ કહીને ઉઘરાણી શરૂ કરી હતી અને ફરિયાદીને જાહેરમાં ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.