કારખાના/યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ/ભાડુઆત તથા ખેત શ્રમિકોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને દિન-૭માં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ

 

મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૦૭ દિવસમાં આપવાની રહેશે.

કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમિક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

કારખાના/ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગિયા માટે માંગ્યા મુજબની વિગતો રજીસ્ટર/બાયોડેટાની સીડી તૈયાર રાખવા તથા તે મુજબની માહિતી સીટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-૭ માં જમા કરાવવાની રહેશે.

આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/ us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

જિલ્લાની સરકારી કચેરી / અર્ધ સરકારી કચેરી / બોર્ડ / નિગમ / સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી અમલ કરવાનો રહેશે.

Leave A Reply

Your email address will not be published.