હળવદના મેરૂપરમાં ઉકેરડા પાસે નવજાત શિશુને ત્યજી દેવાયું: શ્વાનોએ અંગો ખાઈ લીધેલી હાલતમાં દેહ મળ્યો

હળવદના મેરૂપર ગામે એક અજાણ્યા શિશુને ત્યજી દેવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા માતા-પિતાએ પોતાના પાપને છુપાવવા અથવા અન્ય કોઈ કારણોસર નવજાત બાળકને ઉકેરડામાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે ગામના સરપંચે અજાણ્યા શિશુના માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

ઘટનાની વિગતો મુજબ, મેરૂપર ગામમાં ભવાની હાર્ડવેર પાસે આવેલા અવેડા નજીકના ઉકેરડામાં એક નવજાત શિશુનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિક બાળકોએ જોયું કે શ્વાન (કુતરાઓ) શિશુના દેહને ફંફોસી રહ્યા હતા, જેના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. શિશુના શરીરના કેટલાક અંગો કુતરાઓ ખાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ગામના સરપંચ રાજુભાઈ વશરામભાઈ ખેરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા શખ્સોએ જન્મ છુપાવવાના ઈરાદે જીવતા અથવા મૃત હાલતમાં બાળકને અહીં ફેંકી દઈ કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાતા હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.