‘રાષ્ટ્રીય એકતા દિવસ’ : એ.પી.એમ.સી. મોરબી ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

 

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વ અન્વયે મોરબી એ.પી.એમ.સી.ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ જનમેદનીએ રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે દેશની એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા. આ ઉપરાંત, સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મોરબી જિલ્લાના પ્રગતિશીલ વ્યક્તિત્વો તથા અગ્રણીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

 

સર્વે ઉપસ્થિતોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું. એકતા દિવસના કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોરબીના નગરજનોએ ઉપસ્થિત રહી લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલને અંજલિ અર્પણ કરી હતી.

 

Leave A Reply

Your email address will not be published.