


મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેકટર મારફત રાજ્યપાલને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય મામલે વાલીઓએ તથા કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી જયારે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર સામે બાયો ચડાવી વિદ્યાર્થીઓના સમર્થનમના આવી છે. ચાલુ વર્ષે કુલ ૧૧.૩૮ લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૧.૦૫ લાખ વિદ્યાર્થીઓએ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી હતી જે પૈકીના ૪૭,૫૦૦ વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી હતી. પ્રાદેશિક ભાષાનું પેપર ખુબ જ અઘરું અને વધુ સમય માંગી લે તેવું હોવાથી સૌથી વધારે અન્યાય ગુજરાતના વિદ્યાર્થીઓને થયો છે. આ મામલે વાલીઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી જેમાં સરકારે મદદ કરવાને બદલે બંને પેપરની મુશ્કેલીનું પ્રમાણ સરખું હોવાની દલીલ કરી હતી. નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલ અન્યાયને પગલે મોટાભાગની બેઠકો પર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ કબજો કરી લેશે જેથી આ મામલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ઉપરાંત વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.