



મોરબી શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે ‘સ્વચ્છતા અભિયાન’ના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક ભવ્ય *‘સ્વચ્છતા જાગૃતિ રેલી’*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને પર્યાવરણની જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાનો હતો.
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી આ રેલીનો ભવ્ય પ્રારંભ થયો હતો. ત્યાંથી નીકળીને રેલી સરદારબાગ થઈને શનાળા રોડ ખાતે આવેલી અખંડ ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ) ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ મોરબીને સ્વચ્છ રાખવાના સૂત્રોચ્ચારો કર્યા હતા.
રેલીમાં મહાનગરપાલિકાના ડે કમિશનર સંજય સોની,મેયર ઉતમ સુરાણી,ડે.મેયર ચિરાગ રાણપરા,સ્ટેન્ડિંગ ચેરમેન જયંતી પડસુંબીયા,શાસક પક્ષના નેતા અર્પીતાબા જાડેજા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ઉપસ્થિતિ તમામ લોકોએ મોરબી મહાનગરપાલિકા તમામ નગરજનોને અપીલ કરી હતી કે સ્વચ્છતા એ માત્ર તંત્રની જ નહીં પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આવો, આપણે સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છ અને હરિયાળું બનાવીએ.




