

બેંકમાં આવતા ચેકના વ્યવહારોમાં ચેક ટ્રાન્ઝેકશન સીસ્ટમ લાગુ કરવામાં આવી છે જે સીટીએસ પધ્ધતિ રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં વર્ષ ૨૦૧૨ થી અમલી બનાવવામાં આવી છે જોકે મોરબી જેવા સેન્ટરમાં આ સીસ્ટમ ચાલુ માસની તા. ૧૦ મીથી લાગુ કરી દેવામાં આવી છે. સીટીએસ સિસ્ટમમાં જે તે બેંકોના ચેકમાં સિમ્બોલ તેમજ ચેકચાક સહીતની ચીજ વસ્તુઓની પુરતી ચકાસણી કરવામાં આવતી હોય છે એટલું જ નહિ પરંતુ બેંક દ્વારા ચેક ચકાસણી કર્યા બાદ સ્કેન કરેલી કોપી જે તે બેંકના હેડ ક્વાર્ટરમાં પણ મોકલવામાં આવે છે જ્યાં આધુનિક મશીનરીની મદદથી ચેકને દરેક એન્ગલથી તપાસવામાં આવે છે જેમાં સિમ્બોલ તેમજ ચેક સાચો છે કે ખોટો તે ખરાઈ કર્યા બાદ જ કામ આગળ વધે છે. જેથી બેંકો સાથે થતી છેતરપીંડી રોકી સકાય. ચેક ક્લીયરીંગ પધ્ધતિ ફ્રોડ રોકવા માટે ચોક્કસ ઉપયોગી બની સકે છે પરંતુ તેના કારણે મોરબી જેવા સેન્ટરમાં નવી મુસીબત સર્જાઈ છે. સ્ટાફને તાલીમના અભાવ હોવાથી ચેક ક્લીયરીંગમાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે તો ક્યારેક વેપારીના ચેક બેલેન્સ હોવા છતાં બાઉન્સ થવાના કિસ્સાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું હતું કે સીટીએસ પધ્ધતિને કારણે મોરબીના વેપારીઓ નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે જેનું તાકીદે નિરાકરણ લાવવું જરૂરી છે. વેપારીઓના ચેક બાઉન્સ થવાથી તેમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે જે તેની શાખને પણ નુકશાન પહોંચાડે છે.