પીપળીયા ચાર રસ્તા ખાતે આગામી ૨૯ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

 

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાચાવદરડા – પીપળીયા ચાર રસ્તા, માળીયા મીયાણા હાઇવે પાસે આવેલ માળીયા આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ ૯ પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે.

ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તકનો લાભ ઉઠાવી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply

Your email address will not be published.