

મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.
ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારી સહાયમાં પારદર્શકતા જળવાઈ રહે અને લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે માટે ડિજિટલ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જેના ભાગરૂપે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ થી અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના ૧,૧૦,૩૯૪ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૩૬૯.૨૮ કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન પાત્ર ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ૨૫ જેટલા લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીસા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘કિસાન સન્માન દિવસ’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.


