મોરબીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું

તમામ બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ; સવારથી જ સુચારુ રીતે મતદાન પ્રક્રિયા કાર્યરત: કલેક્ટર

 

મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત લોકશાહીના મહાપર્વની શાનદાર શરૂઆત થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. બી. ઝવેરીએ આજે વહેલી સવારથી વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને મતદાન પ્રક્રિયાની વિગતો મેળવી હતી.

કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ મતદાન મથકો પર નિયત સમયે મોક પોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થઈ ગયો છે. ઓબ્ઝર્વર્સ દ્વારા પણ સવારે ૧૫ થી ૨૦ જેટલા બૂથ પર જઈને મોક પોલ પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. હાલ સમગ્ર જિલ્લામાં એકદમ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે, જ્યાં તમામ ચૂંટણી અધિકારીઓ અને પોલીસ જવાનો સતર્કતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને ભારત ચૂંટણી પંચની સૂચના મુજબ વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરએ નિરીક્ષણ દરમિયાન જણાવ્યું કે, તમામ બૂથ પર મતદારો માટે મંડપ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, જરૂરી દવાઓ અને વરિષ્ઠ નાગરિકો-દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર સવારના ૬:૦૦ વાગ્યાથી સતત ટેલિફોનિક સંપર્ક અને કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈવીએમ બંધ પડવાની કે અન્ય કોઈ પણ ટેકનિકલ ખામી નોંધાઈ છે તેનું તાત્કાલિક નિરાકરણ કરાવી દેવામાં આવ્યું છે. એકપણ કોઈ ગંભીર ફરિયાદ નોંધાઈ નથી, જે તંત્રની સુદ્રઢ તૈયારીઓ દર્શાવે છે.

જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીએ મોરબીના તમામ જાગૃત નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, “બંધારણે આપેલા આ પવિત્ર મતાધિકારના હકનો ઉપયોગ કરી સૌ નાગરિકો પોતાની લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરે. મોરબીમાં મહત્તમ મતદાન થાય અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વોટર ટર્નઆઉટમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.”

Leave A Reply

Your email address will not be published.