

વાંકાનેરના અમરસર ગામે રાત્રિના સમયે રસ્તામાં ઊભા રાખી એક દંપતીએ મહિલા અને તેના પતિ પર લોખંડના પાઇપ તથા ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. મહિલા અને તેના પતિને સામાન્ય ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેરના અમરસર ગામે રહેતા રંજનબેન જક્શીભાઇ જખાનીયાએ રૂખડભાઇ મગનભાઇ માણસુરીયા તથા તેની પત્નિ તેજલબેન રૂખડભાઇ માણસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રાત્રિના આશરે દશેક વાગ્યે પોતાના દીકરા સાથે ખાવાનું લઈને ઘર તરફ પરત આવી રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં જ ગામના રૂખડભાઇ અને તેમની પત્ની તેજલબેને તેમને વચ્ચે રોક્યા હતા. આરોપી રૂખડભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે, “તું મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે?” તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને ગાળો બોલવાની ના પાડતા જ આરોપી રૂખડભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને હાથમાં રહેલો લોખંડનો પાઇપ મહિલાને મારવા જાય ત્યાં મહિલાએ પોતાનો જમણો હાથ આડો ધરી દેતા તેમને હાથે સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે આરોપી તેજલબેને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડો જોઈ રંજનબેનના પતિ જક્શીભાઇ વચ્ચે છોડાવવા પડતા આરોપી રૂખડભાઇએ તેમના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી દીધો હતો, જેથી તેમને માથામાં ઇજા થઇ હતી. હુમલો કર્યા બાદ દંપતીએ ધમકી આપી હતી.