ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી જ શ્રેષ્ઠ બચાવ: નિષ્ણાત ડોક્ટરોએ વાલીઓને કર્યા સતર્ક

૦થી ૧૫ વર્ષના બાળકો માટે વધતું જોખમ, સમયસર સારવાર અને સ્વચ્છતા પર મૂક્યો ભાર વાલીઓએ ગભરાવાની નહીં, પરંતુ જાગૃત રહેવાની જરૂર: તબીબોની માર્ગદર્શિકા જાહેર

 

હળવદ: દેશના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના નોંધાઈ રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તબીબી નિષ્ણાતોએ વાલીઓને સાવચેત રહેવા અને બાળકોના આરોગ્ય પ્રત્યે વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરી છે. ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

તબીબોના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૦થી ૧૫ વર્ષના બાળકોને અસર કરે છે. વાયરસનો ફેલાવો મુખ્યત્વે સેન્ડફ્લાય (Sandfly) સહિતના જંતુઓ દ્વારા થતો હોવાનું માનવામાં આવે છે. બાળકને અચાનક તાવ આવવો, ઊલટી, બેભાન જેવી સ્થિતિ, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો તાત્કાલિક બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.

નિષ્ણાતોએ જણાવ્યું છે કે વાયરસથી બચવા માટે ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવી, ગંદા પાણીનો નિકાલ કરવો, મચ્છર અને જંતુઓનો ઉપદ્રવ રોકવો, બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવવા તેમજ મચ્છરદાનીનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. તબીબોએ વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવાને બદલે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાથી ગંભીર સ્થિતિ ટાળી શકાય છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી બાળકોને સુરક્ષિત રાખી શકાય છે. આ જનજાગૃતિ અભિયાનમાં પ્રેસિડેન્ટ ડૉ. એમ. વી. વેકરિયા, સેક્રેટરી ડૉ. કિશોર દેવલિયા અને ચેરપર્સન ડૉ. નરેન્દ્ર વિસાણી દ્વારા વાલીઓને જાગૃત રહેવા તથા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.