ટીંબડી પાટિયા નજીક ડમ્પરની ઠોકરે બાઈક સવાર પિતા-પુત્રના મોત, મહિલા ઈજાગ્રસ્ત
બેફામ દોડતા ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જી બે નિર્દોષ જીવનો ભોગ લીધો માતેલા સાંઢ જેમ દોડતા ડમ્પર ચાલકોને નિયંત્રિત કરવામાં પોલીસની સરેઆમ નિષ્ફળતા





મોરબી જીલ્લામાં માતેલા સાંઢ જેમ દોડતા ઓવરલોડ ડમ્પર નંબર પ્લેટ વિના બેફામ દોડતા રહે છે અને આવા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય છે જેમાં આજે ટીંબડી પાટિયા નજીક બેફામ દોડતા ડમ્પરે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર પિતા પુત્રના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
મોરબીના ટીંબડી પાટિયા નજીક બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં માળિયા હાઈવે પરથી બાઈક લઈને મોરબી આવતા પરિવારને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને બાળક ફંગોળાઈ રોડ પર પડી ગયા હતા જેને પગલે બાઈક ચાલક દિનેશભાઈ ઉર્ફે રોહિતભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.૩૦) અને આદેશ દિનેશભાઈ પરમાર (ઉ.વ.૦૬) પિતા –પુત્રના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જયારે મૃતકના પત્ની લક્ષ્મીબેન દિનેશભાઈ પરમારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક દિનેશભાઈ પરિવાર સાથે માળિયા હાઈવે પર કારખાનામાં રહીને મજુરી કરતા હતા અને પુત્ર આદેશ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હોવાથી પ્રતિદિન સારવાર માટે મોરબી આવતા જતા હતા અને આજે બપોરે પરિવાર બાઈક પર મોરબી આવવા નીકળ્યો ત્યારે ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે


