

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નિર્શિવ ફાઉન્ડેશન, મોરબીના સંયુક્ત ઉપક્રમે શક્ત શનાળા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે “અઢી અક્ષરનું ચોમાસું” કવિ સંમેલનનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના વિશાળ સંખ્યામાં સાહિત્યપ્રેમીઓએ ઉપસ્થિત રહી કાવ્યધારાનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમનું માર્ગદર્શન યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી, મોરબી-માળિયાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો. મહાનુભાવોએ નિર્શિવ ફાઉન્ડેશન અને સાહિત્ય અકાદમીના આ સાહિત્યિક પ્રયાસને બિરદાવી કલા-સંસ્કૃતિના આવા આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કવિ સંમેલનમાં મુર્ધન્ય કવિશ્રીઓ દીપક ત્રિવેદી, હર્ષિદા ત્રિવેદી, રામ વારોતરીયા, વિશાલ પારેખ, જનાર્દન દવે અને પંકજદાન ગઢવીએ પોતાની અનોખી રચનાઓ, ગઝલો અને કાવ્યોની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ અને પ્રભાવશાળી સંચાલન સત્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાવ્ય લેખન સ્પર્ધા નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે કવિ શ્રી જલરૂપ, દ્વિતીય ક્રમે શ્રી સંજય બાપોદરીયા ‘ સંગી ‘ અને તૃતીય ક્રમે શ્રી રાઘવ વૈષ્ણવ એ સ્થાન મેળવ્યું હતું
કાર્યક્રમના નિમંત્રક તરીકે નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર રોહનભાઈ રાંકજા, આરતી રોહન તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહ્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદિતિ વિરમગામા, બંસી વિડજા, શ્રુતિ રાંકજા, સાવન પટેલ, શિરીષ રાંકજા, ભૂમિ દેત્રોજા અને નિરતીબેન અંતાણી સહિતના યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાવ્યરસ અને સાહિત્યિક માહોલ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


