

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફળ સેવાકાર્યની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્ય કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ એઈમ્સ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબીની મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ એઈમ્સ (AIIMS) ના સભ્ય અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના સુચારુ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એઈમ્સ-રાજકોટના આશરે ૪૫ થી વધુ વિવિધ રોગોના નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમએ ઉપસ્થિત રહી મોરબી શહેર અને જિલ્લાના હજારો નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રોગ નિદાન, જરૂરી દવાઓ અને તબીબી સલાહ-સારવારની સેવાઓ પૂરી પાડી હતી.
આ પ્રસંગે રાજકોટ એઈમ્સના સભ્ય અને સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, “એઈમ્સ (AIIMS) એ દેશનું પ્રથમ નંબરનું આરોગ્ય મંદિર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં હાલ ૨૫ જેટલી એઈમ્સ કાર્યરત થઈ છે, જે પૈકી રાજકોટ એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ તેમજ દવાઓ સહેલાઈથી પહોંચી શકે તેવા આશયથી રાજકોટ એઈમ્સ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો આ પાંચમો કેમ્પ છે. ભવિષ્યમાં પણ છેવાડાના લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી રહે તે માટે આવા કેમ્પ સતત યોજાતા રહેશે.”



