યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાન બાબતે વકીલ યુક્રેનમાં બ્રિગેડિયરને મળ્યા

રશિયામાં અભ્યાસ અર્થે ગયેલા અને ત્યારબાદ રશિયન સૈન્યમાં ભરતી થઈ જતાં હાલ યુક્રેન આર્મીની કસ્ટડીમાં યુદ્ધકેદી તરીકે બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યા છે. તેમણે યુક્રેન જઈને ત્યાં ભારતના એમ્બેસેડર અંજની કુમાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યુક્રેનના ‘કોઓર્ડિનેશન હેડક્વાર્ટર ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર્સ ઓફ વોર’ના વડા બ્રિગેડિયર જનરલ સાથે તેમની મુલાકાત થઈ હતી. યુક્રેનની મુલાકાત બાદ વકીલ દીપા જોસેફે વિડીઓ સંદેશમાં જણાવ્યું હતું કે, સત્તાધીશોએ સાહિલને છોડવા માટે સંપૂર્ણ હકારાત્મકતા દર્શાવી છે. બ્રિગેડિયર જનરલે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમને સાહિલને મુક્ત કરવામાં કોઈ વાંધો નથી, બસ ભારત સરકાર તરફથી સીધો સંપર્ક અને સત્તાવાર કોઓર્ડિનેશન કરવામાં આવે.

 

વકીલ દીપા જોસેફે વધુમાં જણાવ્યું હતું કે, યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશની સરકાર અને સત્તાધીશો તરફથી તેમને પૂરતો સહયોગ અને સન્માન મળી રહ્યું છે, પરંતુ ભારત તરફથી જોઈએ તેવો પ્રતિસાદ નથી મળી રહ્યો. કોર્ટમાં ભારતીય પક્ષ તરફથી એવું કહેવામાં આવે છે કે યુક્રેન તરફથી કોઈ જવાબ મળતો નથી, જ્યારે હકીકતમાં યુક્રેનના બ્રિગેડિયર ભારત સાથે સંકલન સાધીને યુવાનને છોડવા તૈયાર બેઠા છે. આ ઉપરાંત, લ્વીવ સ્થિત જે જેલમાં સાહિલ માજોથીને રાખવામાં આવ્યો છે, ત્યાં આગામી સપ્તાહે પંજાબના જલંધરના અન્ય એક ભારતીય યુવાન ગુરપ્રીત સિંહને પણ લાવવામાં આવી રહ્યો છે, જે રશિયન આર્મીમાં જોડાયા બાદ યુક્રેનની કસ્ટડીમાં છે.

 

અંતમાં વકીલ દીપા જોસેફે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર ભારત સરકારના એક સત્તાવાર ઈમેલ અને યુક્રેનિયન બ્રિગેડિયર તથા દૂતાવાસ સાથેના ઝડપી સંકલનથી આ યુવાનનો જીવ અને ભવિષ્ય બચી શકે તેમ છે. છેલ્લા ૧૩ મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં ફસાયેલા મોરબીના સાહિલ માજોથીને વહેલી તકે સ્વદેશ પરત લાવવા માટે તમામ જરૂરી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા તેમણે ભારત સરકારને વિનંતી કરી છે.

 

Leave A Reply

Your email address will not be published.