હળવદની ઐતિહાસિક વિરાસત સાથે ચેડાં કે વિકાસના નામે વારસાનો વિનાશ?

ધ્રાંગધ્રા દરવાજાનું ડિમોલેશન કર્યાને બે મહિના વીત્યા, છતાં સ્થળે ‘જૈસે થે’ની સ્થિતિ! રિનોવેશનના બદલે ઐતિહાસિક દરવાજો તોડી પડાયો હોવાના આક્ષેપો; માતાજીની પ્રતિમાઓ હટાવાઈ, ખાડા યથાવત્‌ — નગરપાલિકાની કામગીરી સામે સવાલોનો મારો

 

હળવદ શહેરની ઐતિહાસિક ઓળખ અને ગૌરવના પ્રતીક સમાન ધ્રાંગધ્રા દરવાજાનું ડિમોલેશન થયાને અંદાજે બે મહિના વીતી ગયા હોવા છતાં સ્થળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો ન થતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વર્ષો જૂના આ ઐતિહાસિક પ્રવેશદ્વારના રિનોવેશનના બદલે તેને તોડી પાડવાનો નિર્ણય શા માટે લેવાયો? ડિમોલેશન માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં? જો મંજૂરી લેવામાં આવી હોય તો કયા સક્ષમ અધિકારી કે વિભાગની મંજૂરીથી આ કાર્યવાહી કરવામાં આવી? આવા અનેક પ્રશ્નો હાલ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે.

હળવદ શહેર માત્ર એક નગર નથી, છોટા કાશી તરીકે જગવિખ્યાત છે. રાજા-રજવાડાના સમયની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ અને પરંપરાનું સાક્ષી રહ્યું છે. શહેરની ચારેય દિશામાં આવેલા ઐતિહાસિક દરવાજાઓ હળવદની આન, બાન અને શાન ગણાતા હતા. આ દરવાજાઓ માત્ર અવરજવરનો માર્ગ નહોતા, પરંતુ શહેરના ભવ્ય ભૂતકાળની ઓળખ અને ઐતિહાસિક ગૌરવના પ્રતીક હતા. તેમાં પણ ધ્રાંગધ્રા દરવાજાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે.

રિનોવેશનના બદલે ડિમોલેશન કેમ?ઐતિહાસિક વારસાનું જતન કરવું અને તેને આવનારી પેઢી સુધી સાચવી રાખવું એ કોઈપણ નગરના વહીવટીતંત્રની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. ત્યારે ધ્રાંગધ્રા દરવાજાને જાળવી રાખવા કે તેનું સમારકામ કરવા માટેના વિકલ્પો વિચારવામાં આવ્યા હતા કે નહીં, તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. દરવાજાનું રિનોવેશન કરવાના બદલે ડિમોલેશન કરવામાં આવ્યું હોવાના મુદ્દે હવે જવાબદારી નક્કી કરવાની માંગ ઊઠે તે સ્વાભાવિક છે.દરવાજા પર કોતરણી સાથે સ્થાપિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ શહેરીજનોની આસ્થા સાથે જોડાયેલી હતી. ડિમોલેશન દરમિયાન આ પ્રતિમાઓ હટાવવામાં આવી હોવાના મુદ્દે પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ પ્રતિમાઓને સુરક્ષિત રાખવામાં આવી છે કે નહીં, તેમનું યોગ્ય સ્થળાંતર કરવામાં આવ્યું છે કે કેમ અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે શું આયોજન છે, તે અંગે પાલિકા તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ.

બે મહિના બાદ પણ ખાડા અને અવ્યવસ્થા યથાવત્‌ જોવાં મળે છે.દરવાજાનું ડિમોલેશન કર્યા બાદ સ્થળને વ્યવસ્થિત બનાવવાની કામગીરી ક્યાં સુધી પહોંચી છે, તે પણ મહત્ત્વનો પ્રશ્ન છે. સ્થાનિક લોકોની ફરિયાદો મુજબ, બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર ખાડા અને અવ્યવસ્થિત સ્થિતિ યથાવત્‌ જોવા મળે છે. શહેરના મુખ્ય માર્ગ સાથે જોડાયેલા આ સ્થળેથી દરરોજ અનેક વાહનચાલકો, રાહદારીઓ, વડીલો અને સિનિયર સિટીઝનો પસાર થાય છે. આવી સ્થિતિમાં અકસ્માતની શક્યતા અને અવરજવરમાં મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

દિવાળી જેવા મોટા તહેવારના સમયે બજારો અને મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર વધે છે. ત્યારે સ્થળને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાની કામગીરીમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે, તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે. ઐતિહાસિક દરવાજો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ સ્થળની વ્યવસ્થા સુધારવા માટે જરૂરી પગલાં સમયસર લેવાયાં કે નહીં, તેની જવાબદારી કોણ લેશે?

મંજૂરી કોની? નિર્ણય કોણે લીધો?ધ્રાંગધ્રા દરવાજાના ડિમોલેશનને લઈને હવે કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબ જાહેર થવા જરૂરી છે:- ઐતિહાસિક દરવાજો તોડી પાડવાનો નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો?

–ડિમોલેશન પહેલાં નગરપાલિકાએ સત્તાવાર ઠરાવ કે જરૂરી મંજૂરી મેળવી હતી?

–જો મંજૂરી લેવામાં આવી હોય, તો કયા સક્ષમ અધિકારી કે વિભાગે મંજૂરી આપી હતી?

–રાજ્ય સરકાર અથવા સંબંધિત પુરાતત્ત્વ અને વારસા સંરક્ષણ વિભાગની મંજૂરી જરૂરી હતી કે નહીં અને તે અંગે શું કાર્યવાહી થઈ?

–દરવાજા પરની દેવી-દેવતાઓની પ્રતિમાઓ હાલ ક્યાં છે અને તેમના સંરક્ષણ માટે શું આયોજન છે?

–ડિમોલેશન બાદ સ્થળને વ્યવસ્થિત કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની કામગીરી ક્યારે પૂર્ણ થશે?

આ પ્રશ્નોનો જવાબ આપવો નગરપાલિકા તંત્રની જવાબદારી છે. જોકે, સંબંધિત મંજૂરીઓ અંગેના દસ્તાવેજો અને સત્તાવાર વિગતો જાહેર થયા બાદ જ નિયમોની સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

*ઐતિહાસિક વિરાસતનું જતન કે માત્ર તોડફોડ?*

વિકાસના નામે શહેરના ઐતિહાસિક વારસાને નુકસાન ન પહોંચે તે માટે આયોજનબદ્ધ અભિગમ જરૂરી છે. જો કોઈ ઐતિહાસિક બાંધકામને દૂર કરવું અનિવાર્ય હોય, તો તેના માટેના કારણો, મંજૂરીઓ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે પારદર્શિતા જાળવવી એટલી જ જરૂરી છે. ધ્રાંગધ્રા દરવાજાના કિસ્સામાં પણ નગરપાલિકા તંત્રએ સમગ્ર બાબતે  સ્પષ્ટતા કરવી જોઈએ.

હળવદની ઐતિહાસિક ઓળખ સાથે જોડાયેલા આ સ્થળની હાલત અંગે હવે માત્ર ચર્ચા નહીં, પરંતુ સ્પષ્ટ જવાબ અને સમયબદ્ધ કામગીરીની અપેક્ષા છે. શહેરના નાગરિકો માટે અવરજવર સુરક્ષિત બને, સ્થળની અવ્યવસ્થા દૂર થાય અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ અંગે યોગ્ય નિર્ણય લેવાય — એ જ સમયની માંગ છે.

જોવાનું એ રહ્યું કે હળવદ નગરપાલિકા આ સવાલોનો જવાબ આપશે કે પછી ઐતિહાસિક ધ્રાંગધ્રા દરવાજાનો મુદ્દો પણ વહીવટી ઉદાસીનતાની યાદીમાં ઉમેરાશે?…

 

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.