મોરબીની ધ. વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું  ગોલ્ડન જ્યુબીલી સ્નેહમિલન યોજાશે

મોરબીની ખ્યાતનામ ધ. વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં વર્ષ ૧૯૭૬ થી ૧૯૭૮ દરમિયાન અભ્યાસ કરનાર પ્રથમ બેચના પચાસથી વધુ વિદ્યાર્થી મિત્રો અને ગુરુજનો અડધી સદી (૫૦ વર્ષ) પૂર્ણ થવાના અવસરે ગોલ્ડન જ્યુબીલી ફંક્શનમાં એકસાથે મળશે. આજથી પાંચ દાયકા પહેલાંના વિદ્યાર્થી કાળની અણમોલ યાદોને વાગોળવા, જૂના સંસ્મરણો તાજા કરવા અને આત્મીયતાસભર ક્ષણો માણવા માટે તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સ્નેહમિલન કાર્યક્રમ તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજ સુધી, નાલંદા વિદ્યાલય (વીરપર પાસે, મોરબી-રાજકોટ હાઈવે, મહિન્દ્રા કાર શોરૂમવાળી શેરીમાં, મોરબી) ખાતે યોજાશે. અડધી સદીની દોસ્તીના આ પર્વને અવિસ્મરણીય અને યાદગાર બનાવવા માટે ડો. ભાડેસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિતના મોરબીના સ્થાનિક મિત્રોની ટીમ આયોજનને આખરી ઓપ આપી રહી છે.

આજથી પચાસ વર્ષ પહેલાં જ્યારે નવો અભ્યાસક્રમ દાખલ થયો હતો ત્યારે સમયસર પુસ્તકો ન મળવા, ટાંચા સાધનો અને લેબોરેટરીના અભાવ જેવી અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ શિક્ષકોનાં શ્રેષ્ઠ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતથી તેમણે સફળતાના શિખરો સર કર્યા હતા. મુશ્કેલ રાહ પર કેડી કંડારીને આજે ગુજરાત સહિત દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં મોરબીનું નામ રોશન કરનારા આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં પોતાના તત્કાલીન ગુરુજનોની ગુરુવંદના કરશે. આ પ્રસંગે ગીત-સંગીતના કાર્યક્રમો સાથે બાળપણની યાદો તાજી કરવામાં આવશે, જ્યારે ગુરુજનો પણ પોતાના શિષ્યોની પ્રગતિ જોઈ ગૌરવની લાગણી અનુભવશે.

Leave A Reply

Your email address will not be published.