પ્રવિણસિંહ ઝાલાની મોરબી જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂક

 

મોરબી જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જૂના સાદુરકા ગામના પ્રવિણસિંહ ઝાલાની મોરબી જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમાજના સંગઠન અને યુવાનોના માર્ગદર્શન ક્ષેત્રે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રવિણસિંહ ઝાલા હાલમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે. દેશસેવાની સાથે તેઓ સમાજ અને યુવાનો માટે પણ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે. રજાનસમય દરમિયાન તેઓ પોલીસ અને આર્મીમાં જોડાવા ઇચ્છતા યુવાનોને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પ્રવિણસિંહ ઝાલા કરણી સેનામાં રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સંગઠનાત્મક કામગીરી અને યુવાનો સાથે સતત સંપર્કના કારણે તેઓ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

ગુજરાતમાં યોજાયેલા ક્ષત્રિય આંદોલન દરમિયાન પણ સમાજને સંગઠિત રાખવા માટે પ્રવિણસિંહ ઝાલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમાજના વિવિધ વર્ગો અને યુવાનોને એકત્રિત કરવામાં તથા સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય સહભાગિતા નોંધાવી હતી. મોરબી જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજમાં ઉપપ્રમુખ તરીકે નવી જવાબદારી મળતા સમાજના આગેવાનો, યુવાનો અને વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા પ્રવિણસિંહ ઝાલાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવી જવાબદારી સાથે તેઓ સમાજના સંગઠન, યુવા માર્ગદર્શન અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave A Reply

Your email address will not be published.