શ્રાવણમાસ દરમિયાન અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનું સેવાયજ્ઞ, જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન પીરસ્યું

 

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીમાં વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ શ્રાવણમાસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ રસોડું ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન ચાલેલા આ સેવાકાર્યમાં દરરોજ 20થી વધુ બહેનોએ જોડાઈ સેવા આપી હતી. આ સેવાકાર્ય અંતર્ગત ગ્રુપની બહેનો દ્વારા દરરોજ અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ મોરબીના નવલખી રોડ, આવાસ વિસ્તાર, કામધેનું વિસ્તાર, ઘુનડા રોડ, લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો અને લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

 

શ્રાવણમાસ દરમિયાન ચારેય સોમવારે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીરો, દાબેલી, વઘારેલા ભાત, બટાકા પૌંઆ, વધારેલી ખીચડી, લાડવા-ભાજી, ભુંગરા બટાકા, ફરાળી ચેવડો, મિક્સ ચેવડો, ગુંદી-ગાંઠિયા, પાંઉભાજી સહિતની વિવિધ વાનગીઓ તૈયાર કરી જરૂરિયાતમંદોને પીરસવામાં આવી હતી. આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓ માટે પણ સીરો બનાવવામાં આવ્યો હતો અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે ગ્રુપની બહેનોએ સમગ્ર શ્રાવણમાસ દરમિયાન સેવાકાર્યમાં જોડાઈ જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા શ્રાવણમાસનું સેવાકાર્ય પૂર્ણ કર્યા બાદ વધુ એક સેવાકીય આયોજનની જાહેરાત કરવામાં આવી છે. આગામી 20 જાન્યુઆરી 2027ના રોજ માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓના સમૂહલગ્ન યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલમાં ગણેશોત્સવ અને આગામી નવરાત્રિ દરમિયાન પણ દીકરીઓને લ્હાણી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

Leave A Reply

Your email address will not be published.