ટંકારાના ઘુનડા-રસનાળ રોડ પર કારની ઠોકરે બાઇક સવાર યુવકનું મોત

ટંકારા પોલીસ મથકની હદમાં આવતા ઘુનડા (ખાનપર)થી રસનાળ જવાના રસ્તે વળાંક પાસે એક પુરઝડપે આવતી કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના મોટા ભાઈએ કાર ચાલક વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ, અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના રસનાળ ગામના વતની રાજેશભાઈ ભગવાનજીભાઈ વડગામાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના નાના ભાઈ ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામા પોતાનું મોટરસાયકલ નં.GJ-10-CD-6153 લઈને ઘુનડાથી રસનાળ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વળાંક પાસે એક ફોરવ્હીલ કાર નં- GJ-03-NF-7975ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઉમેશભાઈના બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઉમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. ટંકારા પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.