


મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમતા એક શખ્સને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય સાથે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, મોરબીના નવા ડેલા રોડ પર અશોક પાન નજીક પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ ક્રિકેટ મેચમાં રન પર રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલા હિતેશ ઉર્ફે મોઢિયો ચંન્દ્રકાન્તભાઇ ધોળકીયા (ઉ.વ.૩૮, રહે. નવા ડેલા રોડ, મોરબી) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ આરોપી મોબાઈલ નંબર ૯૮૭૫૦૯૪૩૫૨ પર હારજીતના સોદા કરી રહ્યો હતો અને આ સમગ્ર હિસાબ અન્ય આરોપી ઇસ્માઇલ કુરેશીને આપવાનો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી રોકડા ૬૦૦, જુગારની વિગતો લખેલી કાગળની ચિઠ્ઠી અને બોલપેન કબજે કર્યા છે. આ ગુનામાં હારજીતના સોદા આપનાર અને હિસાબ રાખનાર અન્ય બે આરોપીઓ મોબાઈલ નંબર ૯૮૭૫૦૯૪૩૫૨નો ધારક અને ઇસ્માઇલ કુરેશી સ્થળ પર મળી આવ્યા ન હોવાથી પોલીસે તેમને ફરાર જાહેર કરી, પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.