મોરબીના ભડીયાદ રોડ પરથી વર્લીફીચરનો જુગાર રમાડતા બે ઝડપાયા, અન્ય બેની શોધખોળ

મોરબી-૨ વિસ્તારમાં આવેલા ભડીયાદ રોડ પર જાહેરમાં નસીબ આધારિત વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાડતા બે શખ્સોને મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય અને હજારોની રોકડ રકમ કબજે કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હાજર ન મળી આવતા તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

ઘટનાની વિગત મુજબ ભડીયાદ રોડ પર ભડીયાદ કાંટા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળેથી વર્લીફીચરના આંકડા લખી જુગાર રમી અને રમાડી રહેલા નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઇ મિરાણી અને પ્રવિણ ઉર્ફે ઘનો અજુભાઇ સોમાણી નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. એલસીબીએ તેમની પાસેથી જુગારના આંકડા લખેલી એક ડાયરી, બોલપેન તેમજ રૂ ૧૧,૧૨૦ ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ બંને શખ્સો ત્યાં હાજર ન મળી આવેલા અન્ય બે શખ્સો, અફઝલ ઉર્ફે જલો સમા અને રાજુભાઇ મહાલીયાના કહેવાથી આ જુગારનું નેટવર્ક ચલાવતા હતા. આ મામલે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશને ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.