



મોરબી બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ તેમજ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનાર રાહત અને બચાવની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે વીજ પુરવઠાની સ્થિતિ, નુકસાન પામેલા વીજ થાંભલાઓ અને વીજલાઈનોની મરામત, વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી, રોડ-રસ્તાઓની સ્થિતિ, પુલ અને કોઝવે પર પાણી ભરાવાની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી તકેદારી તેમજ જનજીવન પર વરસાદની અસર અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને સતત સતર્ક રહી ૨૪ × ૭ ના ધોરણે કામગીરી કરવા, કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવા, વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠાની પુનઃસ્થાપના તેમજ માર્ગ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે સંકલિત કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
બેઠકમાં પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, વન વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, ફાયર અને ઇમરજન્સી સર્વિસ, સિંચાઈ વિભાગ સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તથા તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

