

મોરબીના નવલખી રોડ પર રહેતા એક વેપારીને લિફ્ટ આપવી ભારે પડી હતી. બજારમાં જવાના બહાને મોટરસાયકલ પર બેઠેલા બે શખ્સોએ વેપારીને અંધારામાં લઈ જઈ છરીની અણીએ રોકડ રકમ અને બાઈક સહિત કુલ રૂ. ૬૫૦૦૦ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બનાવની વિગત મુજબ, ભુરારામ ચૌધરી રાત્રિના સમયે પોતાનું હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ-3-EQ-3881 લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન દેવાસિંગ ભરતસિંગ અને કુલદીપસિંગ ઉર્ફે કાલી નામના બે શખ્સોએ બજારમાં જવા માટે લિફ્ટ માંગી બાઈક પર બેસી ગયા હતા. ત્યારબાદ આ બંને શખ્સો વેપારીને કબ્રસ્તાન સામે મંગલભુવન ગરબી ચોક પાસેની એક અંધારી ગલીમાં લઈ ગયા હતા. ત્યાં આરોપી કુલદીપસિંગે છરી બતાવી ફરિયાદીના ખિસ્સામાં રહેલા રૂ. ૧૫૦૦૦ રોકડા તેમજ રૂ. ૫૦૦૦૦ની કિંમતનું બાઈક મળી કુલ રૂ. ૬૫૦૦૦ની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.