આઈ.પી.એલ.ના સટ્ટા પર પોલીસનો દરોડો: ૪ ઝડપાયા ચારની શોધખોળ, ૫.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે ભક્તિનગર સર્કલ પાસે આવેલા સીટી મોલમાં રેઈડ કરી આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ઓફિસમાં ચાલી રહેલા આ જુગારધામ પર પોલીસે ત્રાટકીને લાખોની મત્તા કબજે કરી છે, જ્યારે અન્ય ચાર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત મુજબ, ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલના ત્રીજા માળે દુકાન નંબર ૩૦૧ માં આવેલી ‘શિવ ઇમ્પેક્સ’ નામની ઓફિસમાં અનિલ માવજીભાઇ ડાભી નામના શખ્સે બહારથી અન્ય લોકોને બોલાવી આઈ.પી.એલ.ની રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા અનિલ ડાભી, બ્રિજેશ મનસુખભાઇ માલવણીયા, પરેશ નાગજીભાઇ પઢારીયા અને હર્ષદ લાલજીભાઇ પાસીયા નામના શખ્સો લાઈવ સ્કોર નિહાળી આઈ.ડી. મારફત રનફેર પર જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૫,૬૦૦, સાત નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૬૦,૦૦૦ અને ચાર વાહનો કિંમત રૂ. ૪,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૨૬,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલા શખ્સોએ હસુભાઈ ઠાકર, બ્રિજેશ પડસુબીયા, રજાક અને જયદીપ પટેલ પાસેથી આઈ.ડી. મેળવી હતી, જેથી પોલીસે આ ચારેય શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

Leave A Reply

Your email address will not be published.