


મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીની ઉપસ્થિતિમાં ૨જી ઓક્ટોબર ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવા સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્રારા તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ – સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ પખવાડીયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા) ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી છે. આ સ્વચ્છતા પખવાડિયાની મોરબી જિલ્લામાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે એવોર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામીણ વિસ્તારના તથા નગરપાલિકા વિસ્તારના સ્વચ્છતા મિત્રોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ તાલુકા, શ્રેષ્ઠ તાલુકા પંચાયત, શ્રેષ્ઠ સરકારી કચેરી સહિતનું પણ પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ પંચમુખી હનુમાનજી પાસે વેજીટેબલ રોડ પર રસ્તાની સફાઈ કરી હતી તથા પંચમુખી હનુમાનજી મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.



