


વાંકાનેરના ભલગામ ગામની સીમમાં અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરીને રહેતા આધેડ પર ૯ શખ્સોએ ઘરમાં ઘૂસીને મારમાર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગઢવાળી સીમમાં રહેતા દોલુભાઇ નાનજીભાઈ ધાંધલ (ઉ.૪૦)ની પત્ની રીસામણે બેઠેલ હોય અને તે પોતે ત્યારે હીરબાઈ ઉર્ફે હિરલબહેન ધીરુભાઈ કાળીયા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હોય જે હીરબાઈ ઉર્ફે હિરલબહેનના મામા વનરાજભાઈ જીલુભાઈ ખાચરને ન ગમતું જેથી વનરાજભાઈ, વિજય જેઠુંરભાઈ ખાચર, કનુભાઈ જેઠુંરભાઈ ખાચર અને અન્ય ૬ બુકાનીધારી શખ્સોએ દોલુભાઇના ઘરમાં જઈને લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે પગ તથા હાથમાં ઈજાઓ કરી તથા સાહેદને પણ ઈજાઓ પહોચાડીને મૈત્રી કરાર કરેલ હોય તે સ્ત્રીને છોડીશ નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

