

વાંકાનેરમાં દારૂબંધીના કડક અમલ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના અભિયાન હેઠળ સીટી પોલીસે બે રીઢા બુટલેગરો વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આ બંને અસામાજિક તત્વોની અટકાયત કરી તેમને ભાવનગર અને જૂનાગઢની મધ્યસ્થ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફે દારૂના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને મંજૂરી મળતા, પોલીસે વોચ ગોઠવીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વાંકાનેરના હરસિદ્ધિ હોટલ પાસે રહેતા દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉં.વ. ૨૨) અને કેરાળા ગામના ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉં.વ. ૨૩) નો સમાવેશ થાય છે. આ બંને બુટલેગરોને અનુક્રમે ભાવનગર અને જૂનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દીધા છે.

