સુરેન્દ્રનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન

બી.કે. ઉષા દીદી ‘જીવનનો આધાર, ગીતાનો સાર’ વિષય પર આપશે પ્રેરણાદાયી વક્તવ્ય; નિઃશુલ્ક મેડિટેશન કોર્સનું પણ આયોજન

 

સુરેન્દ્રનગર ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા આગામી સોમવારથી બુધવાર દરમિયાન એસ.ટી. બસ સ્ટેશન રોડ પર આવેલા આનંદ ભવન ખાતે ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રેરક વક્તા, મોટિવેશન સ્પીકર તથા વરિષ્ઠ રાજયોગી મેડિટેશન શિક્ષિકા બી.કે. ઉષા દીદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ‘સર્વ સુખોનો આધાર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સાર’ વિષય પર આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વક્તવ્ય આપશે.

શિબિર દરમિયાન બી.કે. ઉષા દીદી પોતાની આગવી વક્તૃત્વશૈલી દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતાના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપશે. આ આધ્યાત્મિક શિબિરનો વધુમાં વધુ ભાવિકો લાભ લઈ શકે તે માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશનની વ્યવસ્થા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારથી ગુરુવાર સુધી સવારે ૭થી ૮ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક મેડિટેશન કોર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિર અને મેડિટેશન કોર્સમાં જોડાઈ આધ્યાત્મિક જ્ઞાન તથા રાજયોગ ધ્યાનનો લાભ લેવા આયોજકો દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

બી.કે. ઉષા દીદીનો આધ્યાત્મિક સેવાનો લાંબો અનુભવ

બી.કે. ઉષા દીદીનો જન્મ આફ્રિકામાં થયો હોવાનું જણાવાયું છે. તેઓ વર્ષ ૧૯૭૪થી બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે જોડાયા હતા અને વર્ષ ૧૯૮૦થી વિશ્વની આધ્યાત્મિક સેવામાં સંપૂર્ણપણે સમર્પિત થયા છે. તેઓ વરિષ્ઠ રાજયોગી મેડિટેશન શિક્ષિકા, આધ્યાત્મિક સલાહકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થાના મોટિવેશન સ્પીકર તરીકે દેશ-વિદેશમાં અનેક લોકોને મેડિટેશન અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ આપી ચૂક્યા છે. તેઓ ‘સેલ્ફ મેનેજિંગ લીડરશીપ’ નામના પુસ્તકના લેખિકા પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ ત્રિદિવસીય શિબિરને લઈને સુરેન્દ્રનગરના ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિબિરની તમામ તૈયારીઓ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બી.કે. હર્ષા દીદીની આગેવાની હેઠળ પૂરજોશમાં ચાલી રહી છે.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.