રાજકોટ ડિવિઝન દ્વારા ૩૧ કિમી લાંબા હાપા–કાનાલુસ સેક્શનમાં ડ્રોન આધારિત લાઈવ-લાઈન ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) નિરીક્ષણનું સફળ પરીક્ષણ

 

ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) એ ઇલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે જરૂરી વીજ પુરવઠો પૂરો પાડતી પ્રણાલી છે. આ જ OHE પ્રણાલીની સુરક્ષા, વિશ્વસનીયતા અને બહેતર જાળવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી રાજકોટ ડિવિઝન દ્વારા ૩૧ કિમી લાંબા હાપા–કાનાલુસ સેક્શનમાં ડ્રોન આધારિત લાઈવ-લાઈન OHE નિરીક્ષણ અને સર્વેલન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ડ્રોન આધારિત નિરીક્ષણ દ્વારા OHE ના વિવિધ સાધનોમાં ઉદ્ભવનારી સંભવિત ખામીઓ અને અસામાન્યતાઓની સમયસર ઓળખ કરી શકાશે. જેના કારણે જરૂરી જાળવણી કાર્યને તુરંત હાથ ધરીને OHE ફેલ્યોરની ઘટનાઓને રોકવામાં તેમજ રેલ સંચાલનની વિશ્વસનીયતા અને સમયપાલનને બહેતર બનાવવામાં મદદ મળશે. આ પહેલ ડિવિઝનલ રેલવે મેનેજર, રાજકોટ, શ્રી ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં રેલવે સુરક્ષા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ અત્યાધુનિક ડ્રોન પ્રણાલી દ્વારા ૩૧ કિમી લાંબા OHE સેક્શનનું વ્યાપક નિરીક્ષણ પાવર અને ટ્રાફિક બ્લોક લીધા વિના કરવામાં આવ્યું છે, જેનાથી રેલ સંચાલનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડતો નથી. ડ્રોનમાં ઉચ્ચ-રિઝોલ્યુશન (હાઈ-રિઝોલ્યુશન) ઓપ્ટિકલ કૅમેરો લગાવવામાં આવ્યો છે, જે 25 kV AC ટ્રેક્શન સિસ્ટમમાં ઢીલા સંપર્કો (લૂઝ કનેક્શન્સ), સંરેખણમાં વિચલન (એલાઈનમેન્ટ ડેવિયેશન), સ્પ્લિટ પિન ગાયબ હોવી તેમજ અન્ય સંભવિત તકનીકી ખામીઓની સચોટ ઓળખ કરવા માટે સક્ષમ છે.

આ પહેલના તકનીકી પાસાઓની માહિતી આપતા વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (TRD), શ્રી વિક્રમ મીણાએ જણાવ્યું કે ઉપયોગમાં લેવાયેલા ડ્રોનની ઓપરેશનલ ફ્લાઈંગ રેન્જ આશરે ૧૦ કિલોમીટર અને ફ્લાઈટ એન્ડ્યોરન્સ આશરે ૫૦ મિનિટ છે. હાપા–કનાલુસ સેક્શનમાં લાઈવ-લાઈન હાઈ-ડેફિનેશન વિઝ્યુઅલ મોનિટરિંગ ટેક્નોલોજીના ઉપયોગથી TRD વિભાગ એવા સૂક્ષ્મ દોષો અને માળખાકીય વિચલનોની પ્રારંભિક તબક્કે જ ઓળખ કરી શકે છે, જેને નિયમિત મેન્યુઅલ નિરીક્ષણ દરમિયાન પારખવા મુશ્કેલ હોય છે. આ તકનીકી હસ્તક્ષેપ નિયમિત ફૂટ પેટ્રોલિંગની સચોટતા, સુરક્ષા અને અસરકારકતામાં નોંધપાત્ર વધારો કરશે. આ પ્રણાલીના ઉપયોગ માટે ન તો પાવર અને ટ્રાફિક બ્લોકની જરૂર પડે છે અને ન તો સામાન્ય રેલ સંચાલન વ્યવસ્થાને બાધિત કે પરિવર્તિત કરવી પડે છે.

આ પહેલ નિવારક જાળવણી (પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ) માટે આધુનિક તકનીકી ઉકેલો અપનાવવા પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડ્રોન આધારિત નિરીક્ષણથી OHE ના નિર્ધારિત ધોરણો જાળવી રાખવા, લાઈવ હાઈ-વોલ્ટેજ લાઈનો પાસે મેન્યુઅલ નિરીક્ષણ સાથે સંકળાયેલા વ્યાવસાયિક જોખમો ઘટાડવા તેમજ OHE માં સંભવિત ખામીઓની સમયસર ઓળખ અને જાળવણી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સહાય મળશે. આનાથી રેલ સંચાલનની સમયબદ્ધતા અને વિશ્વસનીયતાને પણ વેગ મળશે. રાજકોટ ડિવિઝન સલામત, કાર્યક્ષમ અને આધુનિક રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે.

 

Leave A Reply

Your email address will not be published.